Sunday, April 23, 2023

પાંજો કચ્છ

 પાંજો કચ્છ

જાણું છું આ માટીને

નથી કરાળ

નથી રેતાળ

મુઠ્ઠીમાંથી સમય સરે

તેટલી ધીમી ગતિ

તેની મહેકવાની

શાંત

મંથર

તિરાડો પડતી નથી દુષ્કાળગ્રસ્ત ચ્હેરા પર

લથબથ દેહ

નીતરે બાવળની આડમાં

સળવળતું રહે

ભીનું હાસ્ય

 

ઓળખું છું

આ માટીને

નથી કસદાર

કદાવર કાયા

પાણીદાર આંખ પાછળ

મલકે રાત ગુલાબી

 

આંગળાથી ખોતારાય નહીં બારીક પદ

પોત પાતળું નથી તિરાડોનું

રણ અને દરિયો

મુઠ્ઠીભર મોજાં

સૂંઘતાં સીધી જ

ઊતરી જાય

આ માટી

સ્પર્શતા ભીતર સરકે

તળિયે મોતી

 

ચાખી છે

આ માટી

સળગી ઊઠતી આગમાં

ભૂખ શેકીને ખાધી છે

ખિલખિલાટ હાસ્ય સાથે

 

રણઝણી ઊઠે છે

આ માટી

ક્યારેકના વરસાદથી

તો

ક્યારેક

મારા સ્પર્શથી


Tuesday, October 4, 2022

81માં વર્ષે સિતાંશુ સરને

 

       81માં વર્ષે સિતાંશુ સરને

 

આજ એક્યાસીમે યાદ આવો છો એક્તાલીસના

લગભગ એટલીજ વય હશે

તમને પહેલ વહેલા જોયેલા

સી.સી. સભાગૃહમાં પરિષદની વિવેચન બેઠકમાં તમે ઊભા થયા હતા

કાળી દાઢી, ઝગારા મારતું કપાળ, ગૌર વર્ણ અને લાલ કલરનું ટી-શર્ટ

કૈં સમજ નહોતી પડતી સાહિત્ય વિવેચનમાં, પણ તમારી વાણી મને ઊઠવા દેતી નહોતી.

પછી તો વિશ્વામિત્રીની સખી સંગાથે પગથિયાં ચડતાં-ઊતરતાં એ કેમ્પસમાં,

અંગ્રેજીમાં તમારી ગુજરાતી કવિતા સાંભળી ચર્ચા કરવાનું મન થયું

પણ એ ચર્ચા નહિ સંવાદ રચાયો હતો, આપણો પોતીકો, સાવ અંગત,

કરુણાસભર આંખમાંથી વરસતો સ્નેહ, વાણીની મૃદુતા

વાત્સલ્યસભર.

 

તમારી સાથે કેટલીય વાર વિશ્વામિત્રીની સખી પાર કરી છે.

તમે પીઠની પીડા ભૂલીને એલિયટ, કાફકા, હોમર, દોસ્તોએવ્સ્કી, આયોનેસ્કો અને પેરિસના રંગમંચનું

અફાટ આકાશ

ખોલી આપેલું અને ગરમ ગરમ ચાની ચૂસકીઓ સાથે કાલિદાસ, ભવભૂતિ, ભાસ અને ભરત

કવિતાનું શાસ્ત્ર કેટલી રમણીયતા સાથે, સરળતાથી સમજાવ્યું

તે અમેય પછીથી બરાબર ઓળખી ગયેલા એ હલેસાને જે ઓડિસ્યૂસે દરિયાથી દૂર

આ ભૂમિમાં રોપેલું તે.

 

સર કહે તે રિયાલિટી એ શબ્દને સમજતાં સમજતાં કાવ્ય કેડિયે ડગ માંડ્યાં

તમારી અ-છાંદસ કવિતાના આસને બેસીને સાંભળેલા ઇતિહાસબોધ અને અમારી વારસાઈ

કવિતાઓમાંથી નવી નવી રમતો કરતાં કરતાં આદરી અમેય એક લડત.

આસપાસની થીજાવી દે તેવી ટાઢને પડકારતાં રહીને દૂર ગવાતાં ગીત સાંભળતાં સાંભળતાં

અમારી ધજાને ક્યારેય ધોળી થવા નથી દીધી.

 

તમારું વાત્સલ્ય ને પકા-અંજનીબહેનની મમતા ને વિપાશાની પાંસળીથી

ચમેલી બાગ મઘમઘતો માણ્યો છે.

તમે જ અમને લીલાછમ-અંધારભર્યા વનના છેડા પાર ઉડ્ડયન કરાવ્યું છે.

મને ગમે છે તમારી ભાષા

મંગલ મહુડી જતી એસટીના ટેમ અને મગનના ગાજર….

કેવો હેતાળ અને માએ ગયેલા હાલરડાંનો એ લય અને શબ્દનો ધ્વનિ

સાવ સાચુકલી કેવળ માણસની ભાષા.

કવિતાના તળિયે કાળું હળ હાંકીને આવડ્યું છે એ પાણીને પારખતાં.

 

તમે તો કેવા વિશ્વામિત્રીના પ્રેમમાં પડી ગયા ?

એનાં વળાંકો અને વહેણ ઝેર પીતાં પીતાંય વહે છે

કેવળ તમારા સહારે.

આજે તો વખાર ખોલું છું તો એ જ હાથ લાગે છે

ગંધાતું સડેલું અને હવડ, ચોપાસ ફેલાઈ ગયું છે ને,

સાયેબ હવે તો કોઈને ફરિયાદ પણ કરી શકાય તેમ નથી ને જાતે જ સમાધાનો કેળવવાં પડે છે.

પણ હજુ ય આશા છે કે પથ્થરો તળે કેવળ પાણી જ નહિ હીરા પણ હશે.

અને સરસ્વતી મયૂર પરથી ઊતરશે જરૂર.

અત્યારે તો હું પણ આજના પ્રલયગ્રસ્ત પ્રવાહમાં

છાપરે બેઠાં બેઠાં વાણી અને પાણીને જોઈ રહ્યો છું

 

તમારી એ કાળી દાઢી હવે તો સફેદ થઇ ગઈ છે

જે વેદકાલીન ઋષિ જેવી લાગે છે તો ક્યારેક

અમેરિકાના એરપોર્ટ પર થોડી વાર એક અલગ ઓરડામાં પણ બેસાડી રાખે છે.

પણ સાચ્ચે જ તમારી એ છબી હજુ ય એવી જ છે એક્તાલીસની.

 

સર આજે તો શું લખું ?

માત્ર આટલું જ

કહેવા કલામ ઉપાડી છે કે

અહીં અમે બર્થ દે કેક કાપીને ઉજાણી કરીએ છીએ

ને તમે ત્યાં એનો સ્વાદ અનુભવજો.

 

(કવિ સિતાંશુ યશશ્ચન્દ્ર માટે 81માં જન્મ દિવસે)

19-08-2021

દીવાલ અને તિરાડ

 

       દીવાલ અને તિરાડ

 

1

 

દીવાલમાં તિરાડ હોય છે.

તિરાડમાં દીવાલ ન હોય

દીવાલ તો દીવાલ જ હોય

તિરાડ તો તિરાડ જ હોય

દીવાલમાં તિરાડ પડે

પછી ધીમે ધીમે વિસ્તરે, મોટી થતી જાય

દીવાલ મોટી ચણો તો તિરાડો મોટી થાય

નાની દીવાલમાં નાની નાની પણ હોય ખરી

જેમ દીવાલ વધે તેમ તેમ તિરાડો વધે

સમાંતરે વધ્યા જ કરે જાણે કે

એકમેકની હરીફાઈ કરતાં હોય

દીવાલો દીવાલો દીવાલો

તિરાડો તિરાડો તિરાડો

કોઈક ક્ષણે એક-બીજામાં ઓગળી જાય

દીવાલ અને તિરાડ

 

2

 

દીવાલના એક ખૂણે ડોકિયું કરે કૂંપળ

તિરાડ હસી પડે

દીવાલ થથરી જાય

કૂંપળ વધતી જાય

લટકતી કૂંપળ જોયા કરે

તિરાડ.

 

3

 

ગાર લીંપેલી દીવાલ

થોડી ખરબચડી લાગે,

પણ ઊભી હોય અડીખમ.

સવાર-સાંજ

ટાઢ-તડકો-વરસાદ-વંટોળ

અમાસની અંધારી રાતે

પૂનમની ચાંદનીમાં

ખરબચડી ધોળેલી દીવાલ

ગાર-માટીના લીંપણ પર

હાથ ફેરવતાં તાજો જ સ્પર્શ અનુભવાય

પણ હવે તો મા નથી

દીવાલ છે.

 

4

 

આપણા ઘરની હોય કે ચીનની

દીવાલ ઊભી હોય છે ઇતિહાસ સંગોપીને

એમ આપોઆપ તૂટતી નથી

દીવાલની પડછે ઊછરતી રહે પેઢીઓ

દરેક પેઢીએ નવી નવી ચણાતી

રહેતી હોય છે દીવાલો

અને પડતી રહેતી હોય છે તિરાડો

દીવાલમાં.

 

5

 

ક્યારેક તો હચમચાવી મૂકે દીવાલને

આ તિરાડો.

જમીનના મૂળમાં લગાડી દે છે લૂણો

જમીનમાં ઊભેલી જમીન સાથે જ

જમીનદોસ્ત થઇ જાય છે દીવાલો

પછી નથી રહેતી દીવાલ કે તિરાડ

એકમેકમાં એકરૂપ

તિરાડમય દીવાલ

દીવાલમય તિરાડ

કેવળ રહી જાય છે

કેટલાંક ભગ્ન અંશો

દીવાલના.

પૂત્રને

 

       પૂત્રને

 

દરેક સંતાનને મન એક હીરો હોય છે

એમ હું ય તારો

અને હવે તો તું ય બની ગયો છે હીરો.

પિતાના ખભે બેસી જોયેલી દુનિયા

હવે તારે ય બતાવવી પડશે.

 

કંઈ કેટલાંય ઝંઝાવાત સામે લડ્યો છે

પા પા પગલી મંડાવતાં

કે સાયકલ શીખવતા પપ્પા પર કેટલો વિશ્વાસ !

પડવા તો શું ઠોકર પણ નહિ લાગવા દે

 

સડસડાટ પગથિયાં ઉતરી

આંખમાં આંખમાં મેળવી

મિત્ર હોવાનો એહસાસ કરાવ્યો તે હજુ ય

મારી આંખ સામે તરવરે છે.

 

પછી એ જ પગથિયાં ચડતાં હાર્યો કે હાંફ્યો નહિ

તારા દરેક ઉડાનની ભોંય બનેલા મારા આ હાથ

આજે ય તૈયાર જ છે તારી નવી ઉડાન માટે.

 

કેવળ એક પ્રયાસ અને આ આવ્યું તારી સમીપે

જે મારા ખભા પર બેસી

તે જોયેલું સ્વપ્ન, દૂર સુધીનું

અને તું ઓળંગી ગયો એ પહાડ

અને હવે મારા ખભે મૂકે એવો બલિષ્ટ, સમજું

 

જરીક, નીરાંતવાં થોડો વિસામો લઇ

નીકળી પડ એ દુર્ગમ રસ્તે

તારા પોતાના હાથના ભરોસે

જો કે થોડીક તકલીફો વાળો હશે

પણ તું તો ઓળંગી શકે એવો

તારા કૌવતભર્યા બાવડાના જોરે

 

કુનેહથી તાળા ખોલવાની તારી તરકીબ

સુવાંગ તારી માલિકીની છે તે હું જાણું છું.

 

તો,

વધ આગળ

એ પહાડોને ઓળખીને ઓળંગી જા,

રિહાનનો હીરો તે તું જ

હા વળી તું જ તો. 

હવે

 

       હવે

 

રોજ ધણધણી ઊઠે છે આ શહેર

એકધારા થતાં બૉમ્બ વિસ્ફોટથી

મારા બાળપણના આકાશમાં

ચિચિયારી કરતા ઊડે છે વિમાનો

ક્યાં પડ્યો ? આજે ? બૉમ્બ ?

કુતુહલ ભર્યું આકાશ ધુમાડિયું થઇ ગયું છે

ધૂંધળી હવામાં ફફડે છે અખબાર

ઘવાયેલું બાળક પિતાની ગોદમાં પોઢી ગયું છે

ધૂળિયા રસ્તે દોડતી ટેન્ક વચ્ચેથી રસ્તો કાઢતી શેરીના નાકે

બંદૂકના તાકતા નાળચા

જેટ સ્પીડે ધેરી વળતી વેદના

અંદર અંદર ગૂંચળું વળીને પડી છે

રાતના આકાશમાં ફાઈટર જેટના શેરડાં વચ્ચે

દૂર પર્વત પાછળ દેખાય છે ધુમાડિયો ચંદ્ર

કબ્રસ્તાનમાં ઝાંખા ફાનસ ફરી રહ્યાં છે

હવે તે ગણી શકાય તેમ નથી.

હવે કદાચ આવતીકાલે

એક ફાનસ ઓછું હશે.

 

(સીરિયાના ઘોટ પર થયેલા બોમ્બમારામાં ઘવાયેલા બાળકની તસ્વીર જોયા પછી)

પૌત્ર માટે બે કવિતા-2

 

પૌત્ર માટે બે કવિતા

 

2

 

દા..દા..આ…………

પ્રભાવશાળી અને આદેશાત્મક

છતાંય ભાવથી ભર્યો ભર્યો

તારા  બોલાવવાનો લહેકો

સદાય મારા કાનમાં

સચવાયેલો રહેશે.

ટપક… ટપક…પદરવ

રવરવ્યા કરશે.

 

કેટકેટલી ધીંગામસ્તી કરી

ટી-રેક્સ લઇ પાછળ દોડવું

રોબોટ બની રૂમમાં ફરવું

પૂલ સાઈડ ચાલવા જવું

પોલીસ-કાર અને ફાયર ટ્રક

તારા પ્રિય સાથીદાર

હીંચા….હીંચા ખાઈને

મારા હાથના દરદને મટાડવું

બેબી શાર્કનો ડાન્સ તાન ડાન્સ

અને ઝુકેગા નહિ સાલા…..

મર્સીડીસ કારની સફર

બેક યાર્ડમાં દોડા-દોડી

ઘોડો-ચંકી મંકી અને

છેલ્લે ગમી બિઅર

સદાય મારામાં કુદ્યા કરશે.

 

દાદી સાથે ખાંડેલા ચકીના ચોખા

અડકો દડકો સાકર શેરડી ખાઈને

રેકસીની વાર્તાઓ સાથે

દાદીએ ગોળ કેરી ભિતલડીથી બનાવેલા 

બકરીના બચ્ચાના  ઘરના

વ્હાલના બારણાં ઉઘાડ્યાં છે

તે પછીથી જરાક મોટો થઈને

દાદીના ડૂસકાંમાં  સાંભળજે

નર્યા પ્રેમના પ્રવાહને માણજે

 

 

તું તો અમારી સમજની દુનિયાથી

દૂર દૂર તારી પોતિકી દુનિયામાં

જ્યાં કેવલ આનંદ જ છે

તારી સાથે હું ય ભૂલી જાઉં છું

મારી એ ઝંઝાળભરી દુનિયા

તું દોડતાં દોડતાં પડી જાય છે

તો ઇજા મને થાય છે

 

તું ના સમજ નથી

મેં જ સમજનો ડગલો ઉતારી નાખ્યો છે

તું તો દોડીને બાઝી પડે છે ને

હું તારામાં ઓગળી જઉં છું

 

દાદા-દાદી કે પછી દાદી-દાદા

તારે મન ક્યાં કોઈ ભેદ છે

કેવળ હોય છે 

તારું આ નિર્દોષ બાળપણ…..

 

ધીમે ધીમે તું ભુલતો જઈશ

અને હું તારી જેમ બાળક બનતો જઈશ

સ્મૃતિઓનો આ ખજાનો જ અમને

સમૃદ્ધ રાખશે અને જીવાડશે

 

જીવન સંધ્યાના ઓટલે બેઠાં બેઠાં

દાદી-દાદા તારી સાથેની મધુર સ્મૃતિઓ વાગોળતા

એક-બીજાને હૂંફ આપતા

તારામય બની જશે

 

પછી તો હું તારામાં જીવીશ.

 

અને હા એક વાત તો રહી જ ગઈ….

No..No..OOOO

બુધબા* દાદા…..

બુધબા દાદી…..

 

 

-વસંત જોષી

(16-06-2022)

સેલિના,ટેક્સાસ

*રિહાનને ન ગમે તેવી વાત કરો તો નારાજગી બતાવવા આ શબ્દનો ઉપયોગ કરે.

 

પૌત્ર માટે બે કવિતા-1

 

 પૌત્ર માટે બે કવિતા

 

1

 

તારું પ્રથમ રુદન તો મેં સાંભળ્યું નથી

પણ ઉવા ઉવા જેવું કંઈક રડ્યો હોઈશ

અને પછી જંપી ગયો હોઈશ માની હૂંફાળી ગોદમાં.

દૂધભરી ઊંઘમાંથી ઊઠીને

તું નાનકડાં હાથ ફેલાવે છે

ત્યારે ઉઘડી આવે છે મારા બાળપણનું વિસ્મયભર્યું આકાશ

તારી આંખ જુએ છે તે જ મને દેખાય છે !!!

મેં કદાચ ન જોયું હોય તેવું

ઉઘડી આવે છે નવી જ દુનિયા

 જે મેં ક્યારેક જોઈ હશે, પણ એનું  મને સ્મરણ નથી

તું હસે છે

ને હું કલ્પના કરું છું મારા એ હાસ્ય વિશે

તું દોડે છે ને મને થાય છે કે હું પણ આમ જ દોડતો હોઈશ ?

તારી દૈનિક ક્રિયાઓ મને લઇ જાય છે અતિતમાં

જયારે મને સ્મૃતિ ય નહોતી ત્યારે તારા જેવો જ  હોઈશ, નિર્દોષ.

 

તારા રમકડાંથી કોઈ નવી રમતની શોધના પ્રયત્નો કરું

તને તો સહજ મળી જાય છે તે ધારેલી રમત, દરેક વખતે,નવી જ

ને તારા ચહેરા પર ચમકી ઊઠે છે નવી નવી ઉપલબ્ધીનો આનંદ 

કાલી ઘેલી ભાષામાં હું શોધું છું એ ભાષાનું કૂળ

તારી સાથે સંધાન રચી આપતી એ ભાષાનું મૂળ.

પણ તું તો ઘડે છે તારી પોતીકી ભાષા કોઈક નવી જ 

અને હું ય ભીંજાઉં છું એમાં .

કેટકેટલી રમતો મારી સ્મૃતિ બહારની હશે તે ચીંધી આપે છે

મને દોરી જાય છે તારા પોતાના આલોકમાં

મને ગમે છે એ મારી વિસ્મૃતિને માણવાનું

અને  આપણે બંને બની જઇયે છીએ હમઉમ્ર.

 

તારી યાત્રા તો આરંભાઈ છે

મારી ધીમે ધીમે ઢળતી સાંજ જેવી

પણ તારી સાથે એટલીજ આનંદદાયક

સમજણની બહાર નિર્દોષતાભરી એ દુનિયા.

બસ, હું આ ઢળતી સાંજે

તારી સાથે હોઉં છું

ત્તારામય તારી જેમ જ

ભાષા અને અર્થોની પેલે પાર

અને ઉચ્ચારું છું   

ઓબોટ* આઈ લવ યુ !!!

રિહાન આઈ લવ યુ !!!

 (*સફાઈ કરતો રોબોટ રિહાનનું પ્રિય રમકડું જેને ઓબોટ કહે છે.)

-વસંત જોષી

                                                                                                              (06-03-2022) એલન, ટેક્સાસ