Sunday, July 22, 2012

· જંગલની રાત




ક્યાંકથી આવી બેસી જાય
સાંગોપાંગ નિતરતી
લથબથ
પછી ધીરે ધીરે
કોરી કટ કરી નાખે
વેરવિખેર રાતને
સંકેલી ભીતર દબાવી દે
ક્યારેક ઝબૂક
ક્યારેક ઝબકારો
ફરી અલોપ
ચૂપચાપ સરકતી જાય
લથબથ
જંગલની રાત 

Friday, July 20, 2012

· તળાવ



છલોછલ ભર્યું હોય
અથવા ખાલીખમ
આ તળાવ
સાચા મોતીનો ચારો ચરતા ન હોય હંસ
તો ય તળાવની પાળ હોય અકબંધ
પાણીનું સ્મરણ
સાચવી રાખ્યું છે
જીવન મરણ વચ્ચે
તળાવમાં.
વેરાન પટમાં
ચીસ પાડું
દટાઈ જાય
તિરાડોમાં અવાજ.
પાળ પર નથી રોમાંચ
          નથી વૃક્ષ
                કલરવ
                પગરવ
તળાવમાં કશું નથી
નર્યો તપ્ત સુનકાર
પાળ પર ઊભો રહી
તાકી રહું
મારી આંખમાં
વિસ્તરતું રહે
એક...............

Tuesday, May 29, 2012

• આવતી કાલની સવાર


સફેદ કેનવાસ પર
રંગના લસરકા
કાળો સૌથી ઉપર
ટટ્ટાર ઊભા સાગ
સાગની ટોચે
ક્યારેક બેસતો ચંદ્ર
ખીણમાં ખળખળ
વહેતું ઝરણું
તમરાના ગાનમાં
શ્વસતું જંગલ
એકાંતે આળોટતું
સુમસામ ઢોળાવ પર
કટકો ખેતર
ખેતર શેઢે
ઝૂંપડીમાં
ટમટમીયું માંજે
આવતી કાલની સવાર 

• મૂળ વનવાસી


હથેળીમાં રેખા
ઝીલાતું પ્રતિબિમ્બ
અજવાળે આંખ
માત્ર સવાર સાંજ નહિ
સદાય ઊડે હાસ્યના ફૂવારા
શિખરની સ્થિર સ્થાયી શ્રદ્ધા
અતિક્રમે વિટમ્બણા
એકાકી રાતના
આગિયાની ઉદાસી
ઘોર અંધકારે
જંગલમાં ઝબકે
ખખડતાં પાન
પૂરે પ્રાણ
બુઠ્ઠાં તીર વેગવંતા
ટેરવે સફર સ્વર્ગની
ચૂમે હથેળીના ડંખ
લાંબાલચક ઝાળે ઝૂલતો
અરણ્યમાં આમિ અસલ
રેખાઓ વચ્ચે આમિ અટલ
મૂળ વનવાસી 

Friday, March 2, 2012

• ડાંગમાં પાણી


આ મૂક્યું
જળ સામે
જળ
વેણ કવેણના
વહેતાં વહેણ
આ પાર અપાર
નર્યો જળ સંસાર
જળની માયા
જળમાં
જળબંબોળ જળકાયા
સામે જળ ઉતાર
હથેળીમાં લઇ મૂક્યું
આંખમાં
પથ્થરો તોડી
ટપકતું જળ
બૂંદ બૂંદ
ફોરાં, વાછટ, સાંબેલાધાર
પથ્થરો વચ્ચે
પથ્થર છોડી
એકાંતે
એકધારું
પથરાળ
વહેતું
આવે
જળ

બુદ્ બુદ્ પરપોટા
તરે
લીલ સપાટી શેવાળ
તરછોડી આળ પંપાળ
પરપોટામાં કેદ
રહેતું
કમલવત
જળ

તરસ લાગે
એટલે જોઈએ જ
તમ્મર આવે
ભમ્મર ફરે
એક ચાંગળું
એક ઘૂંટ
રૂપિયો એક
પાઉચ ઠંડું
જળનું

દદડે ગાલ પરથી
ઝીલાય હથેળીમાં
કેશ નીતરતાં
ઝગમગ બિંદુઓ
સાવ સમિપ
ખોબે ખોળે
ઊડે ફૂવાર
હસી પડે
જળની વાણી
વાણીનું વારિ
ભીંજવે
જળમાં

Tuesday, February 28, 2012

• જંગલ-૫


જંગલ છે ભઈ આ !
જંગલમાં મંગલ કે અમંગલ
એવું કશું ગોઠવી શકાય નહિ
ઉલટ સુલટ કરો તો ય
જંગલમાં જેમ તેમ ભમી શકાય નહિ
અડાબીડ વાંસ વનમાં
ધોળા દિવસે ય સૂરજ પહોચે નહિ
એવા જંગલની આ વાત છે
પીળાં તાજા જ ફૂટેલા વાંસ પરથી  
પવન પસાર થાય ને
વાંસળીઓ વાગે ધીમા સૂરમાં
પવન પડી જાય ને નીરવ અંધકાર
એકાંત ઓઢી
ઝંપી જાય અઢળક શાંતિ
ઊંડી ખીણમાં નદી હોય
નરી આંખે દેખાય નહિ એટલી ઊંડી
આકાશના આછા અજવાળે
ઘેરાં; પોપટી પટ્ટા
લહેરાતાં નાજુક નાના નાના
નાગલીના ખેતર 

Tuesday, February 21, 2012

* જંગલ-૪


નાગલી શેકવા તીર બાળી દીધાં
કામઠા ય ભાંગી નાખ્યા
હવે ફક્ત ગીલોળ
એકવીસ ભાયાતું
ચોસઠ ગામનો ધણી
હું
જંગલનો ય રાજા
દિવસભર કાળી મજુરી
રાતે મહૂડા નીચે
દરબાર ભરું
સલીયાણા ટાણે
ભાયાતું ભરે સલામ
દીવા નહિ
બતિયું બળે કોતરોમાં
કોર્ટ કચેરીની બાતમી
આખા જંગલમાં ફેલાય
સિમેન્ટનો પાક્કો નકશો
હુરતથી આવે
જંગલમાં સિમેન્ટનું જંગલ
વધુ ગાઢ અને મંગલ
પ્રાણીઓ નિર્ભય
પાણી નિર્મળ
પછી થશે મનમેળ
વાણી અને પાણીનો
ગિરા કાંઠે શબ્દ ધોધ જોતાં જોતાં
બીડી સળગાવવા મથતો
હું
આરણ્યક !!!

Friday, February 17, 2012

• જંગલ-૩


ગડમથલમાં રહેવું નહિ
વાળમાં આંગળીઓ ફેરવવી નહિ
દાઢી પસવારી
તૈયાર થા સિસિફસ !
કાળમીંઢ પથ્થરો જ નથી
ક્યાંક સાથોસાથ
ગોરાડું માટી ય છે
વરસાદે ફસકી જાય અને
આસપાસ ઊગી નીકળે તામ્બાવરણી
તને ગમે તેવી
નિશાની રૂપે પથ્થરો પર
લીટાઓ દોરીને યાદ રાખી શકાય તેવી
લાલ અને ગોરાડું
પડકાર ફેંકીને ય
ઝીલવાની કેવી મજા છે સિસિફસ ?
ચાલ !
ઢોળાવની ચિંતા વગર
દોડવ્યા કરીએ પડકારને
ઝીલી લઈએ
વરસાદ, પંખીઓ અને એનાં ગાનને
ચઢાવને
ઉતારને
નદી-કોતર-કેડી
ને
નીરવ સ્તબ્ધતાને
     ***

Thursday, February 16, 2012

• જંગલ-૨


જંગલમાં રાત
બધે જ આથમે છે
તેમ જ અહિયાં
પણ થોડોક વહેલો આથમે
જંગલમાં કેવળ અંધારું અંધારું
અંધારે સુતું જંગલ જોવાની ય એક રીત
લીલાછમ્મ ઘાસની મંદ સુગંધ
તેમાં ભળે ભેજ
ઢોળાવ ઊતરતા ઊતરતા
સીધી ઊંડે ઊતરી જાય
ઢોળાવ પર કતારબંધ ઝાડ
સરહદે સૈનિકો જેવા ઢોળાવ ઊતરતા
જંગલમાં તમારાં બોલે
          કોશિયા ડહુકે
અવાવરું હવડ વાસ અંધારાને ડોહળે
એકધારા તમારાં કાનમાં
ટમટમીયું આંખમાં
અંધારાને ઓઢી
જંગલની રમણીય રાતમાં
રમણ  જંગલની  રાતમાં 

* જંગલ




જંગલમાં
ઝાડ ઝાખરા અને ટેકરીઓ
ટેકરીની ટોચે
લીલું ચરિયાણ
સાગના ટેકે
અફાટ આકાશ
આકાશ ગોરંભાય
તૂટી પડે
તડકે છાંયે
ગમે ત્યારે વરસી પડે
ભેજ વાળી ગંધ
ચામડી પર ચચર્યા કરે
છાતીમાં ખખડ્યા કરે દિવસો સુધી
વળાંક પર કાળમીંઢ પથ્થરો
ઢાંકેલા સુરજ જેવા કાળા
આથમી જાય જંગલની પેલી પાર
તમારાં ઘેરી વળે અંધકારને
પડ્યું રહે ચુપચાપ
અંધારે
એકલું
જંગલ 

Sunday, February 5, 2012

· બીચ પર




ભીની રેતમાં પગલાં પાડું
મોજાંઓ ફરી વળે
ફરી પગલાં
રચાય અવનવી આકૃતિઓ
ઉર્વશી, મેનકા, રંભા
મોજાંઓ ફરી વળે
જાંઘ પરથી સરકતું પાણી
સેળભેળ કરી નાખે
ઉર્વશી, મેનકા, રંભાને
ઊછળતા પાણી સામે
મથે નાના બાળકો
તણાતું ઘર, દેરી બચાવવા
જાંઘ પરનું સરકતું પાણી
ઘૂસી જાય ઘરમાં
તૂટી જાય દેરી
ફરી એજ મથામણ
નવા ઘાટ ઘડવાની
અનાવૃત અપ્સરાને
જોયા કરે આંખો
ફરી વળે પાણી પડળમાં
બદલાય કલેવર
દૂર સૂર્ય ડૂબે
ભીનાં પગલાં
ફરી ફરી
આકૃતિમાં શોધે
પડળના પાણી
રંભાને 

Saturday, February 4, 2012

· નજર સામે –વસંત જોષી



બધું નજર સામે બને છે
દાટેલું બીજ ઊગ્યું
પેલી કુંપળ તડકામાં ચમકી
બે આંગળી વચ્ચે અંગૂઠો દાબી
ભાઈબંધને બતાવી
નાજુક, નમણી, કૂમળી કૂંપળ
પછી
ક્યારો, ખાતર, પાણી
રોજ સવારે જોયો
વધતાં છોડને
નીચેનાં પણ તોડ્યાં ઊંચો વધારવા
હથેળીમાં તોડેલાં પણ દાબી
આખી રાત તરફડ્યો
છોડ ઊંચે ગયો
હું શહેર ગયો
વૃક્ષ થયું વીસ વરસનું
ગામમાં લાતીઓ
ફળિયું, કુંપળ, છોડ, વૃક્ષ
લીલામીઓ થતી જુએ
વીસ વર્તુળનું જાડું થડ
દળદર ફીટી જાય તેવું જાડું
બસ, હવે
થપ્પીઓ લાગી જશે.
તારીખ, વાર, સમય બધું જ નક્કી છે
નજર સામે જ બધું થવાનું
જંગલ ખાતાનો કાગળ
હાથમાં ડૂચો
આંગળી વચ્ચે અંગુઠો સજ્જડ
લાતીના ધમધમાટમાં
જોયા કરું
પ્રથમ ફૂટેલી કૂંપળ 

Monday, January 30, 2012

* મને તું



એક ટપકું ગાલે કર્યું
ખળખળ વહ્યું
આકાશ સ્વચ્છ
પંખી ઊડ્યા
મેદાન તાકતું

એક ટપકું ઝૂમખે ઝીલ્યું
નીર આછર્યા
ફેલાયો ઝબકાર
પવન પડ્યો
ટાઢ થરથરી
હોઠ ધરાના મરક ગુલાબી
બાગના રસ્તે
ભરચક ખીલ્યા
એક ઈશારે
મહેંકી ઊઠયા
ખોબે ખોબે
તરસ તૃપ્ત

એક ટપકું
ઝીલ્યું
પામ્યું 

Monday, January 23, 2012

• નાના યક્ષ


સૂતા છે
શાંત, મૂર્તિમંત
થાકેલા
રસ્તાની અવરજવર સ્પર્શતી નથી
ખલેલ પડતી નથી નિદ્રામાં
ભુજિયાની ગોદમાં પોઢી જવાનું
ગમ્યું હશે અશ્વોને
કિલ્લા પરથી આવતા પવનમાં
સ્હેજ ફરકે છે મૂછ
      થરકે છે ત્વચા
સંખ્યાના માપની જરૂર નથી
અશ્વોને
સૂતા છે
આરામથી