પૌત્ર માટે બે કવિતા
1
તારું પ્રથમ રુદન તો મેં સાંભળ્યું નથી
પણ ઉવા ઉવા જેવું કંઈક રડ્યો હોઈશ
અને પછી જંપી ગયો હોઈશ માની હૂંફાળી ગોદમાં.
દૂધભરી ઊંઘમાંથી ઊઠીને
તું નાનકડાં હાથ ફેલાવે છે
ત્યારે ઉઘડી આવે છે મારા બાળપણનું વિસ્મયભર્યું આકાશ
તારી આંખ જુએ છે તે જ મને દેખાય છે !!!
મેં કદાચ ન જોયું હોય તેવું
ઉઘડી આવે છે નવી જ દુનિયા
જે મેં ક્યારેક જોઈ હશે, પણ
એનું મને સ્મરણ નથી
તું હસે છે
ને હું કલ્પના કરું છું મારા એ હાસ્ય વિશે
તું દોડે છે ને મને થાય છે કે હું પણ આમ જ દોડતો હોઈશ ?
તારી દૈનિક ક્રિયાઓ મને લઇ જાય છે અતિતમાં
જયારે મને સ્મૃતિ ય નહોતી ત્યારે તારા જેવો જ હોઈશ, નિર્દોષ.
તારા રમકડાંથી કોઈ નવી રમતની શોધના પ્રયત્નો કરું
તને તો સહજ મળી જાય છે તે ધારેલી રમત, દરેક વખતે,નવી જ
ને તારા ચહેરા પર ચમકી ઊઠે છે નવી નવી ઉપલબ્ધીનો આનંદ
કાલી ઘેલી ભાષામાં હું શોધું છું એ ભાષાનું કૂળ
તારી સાથે સંધાન રચી આપતી એ ભાષાનું મૂળ.
પણ તું તો ઘડે છે તારી પોતીકી ભાષા કોઈક નવી જ
અને હું ય ભીંજાઉં છું એમાં .
કેટકેટલી રમતો મારી સ્મૃતિ બહારની હશે તે ચીંધી આપે છે
મને દોરી જાય છે તારા પોતાના આલોકમાં
મને ગમે છે એ મારી વિસ્મૃતિને માણવાનું
અને આપણે બંને બની જઇયે છીએ
હમઉમ્ર.
તારી યાત્રા તો આરંભાઈ છે
મારી ધીમે ધીમે ઢળતી સાંજ જેવી
પણ તારી સાથે એટલીજ આનંદદાયક
સમજણની બહાર નિર્દોષતાભરી એ દુનિયા.
બસ, હું આ ઢળતી સાંજે
તારી સાથે હોઉં છું
ત્તારામય તારી જેમ જ
ભાષા અને અર્થોની પેલે પાર
અને ઉચ્ચારું છું
ઓબોટ* આઈ લવ યુ !!!
રિહાન આઈ લવ યુ !!!
(*સફાઈ કરતો રોબોટ રિહાનનું
પ્રિય રમકડું જેને ઓબોટ કહે છે.)
-વસંત જોષી
(06-03-2022) એલન, ટેક્સાસ
No comments:
Post a Comment