પૌત્ર માટે બે કવિતા
2
દા..દા..આ…………
પ્રભાવશાળી અને આદેશાત્મક
છતાંય ભાવથી ભર્યો ભર્યો
તારા બોલાવવાનો લહેકો
સદાય મારા કાનમાં
સચવાયેલો રહેશે.
ટપક… ટપક…પદરવ
રવરવ્યા કરશે.
કેટકેટલી ધીંગામસ્તી કરી
ટી-રેક્સ લઇ પાછળ દોડવું
રોબોટ બની રૂમમાં ફરવું
પૂલ સાઈડ ચાલવા જવું
પોલીસ-કાર અને ફાયર ટ્રક
તારા પ્રિય સાથીદાર
હીંચા….હીંચા ખાઈને
મારા હાથના દરદને મટાડવું
બેબી શાર્કનો ડાન્સ તાન ડાન્સ
અને ઝુકેગા નહિ સાલા…..
મર્સીડીસ કારની સફર
બેક યાર્ડમાં દોડા-દોડી
ઘોડો-ચંકી મંકી અને
છેલ્લે ગમી બિઅર
સદાય મારામાં કુદ્યા કરશે.
દાદી સાથે ખાંડેલા ચકીના ચોખા
અડકો દડકો સાકર શેરડી ખાઈને
રેકસીની વાર્તાઓ સાથે
દાદીએ ગોળ કેરી ભિતલડીથી બનાવેલા
બકરીના બચ્ચાના ઘરના
વ્હાલના બારણાં ઉઘાડ્યાં છે
તે પછીથી જરાક મોટો થઈને
દાદીના ડૂસકાંમાં સાંભળજે
નર્યા પ્રેમના પ્રવાહને માણજે
તું તો અમારી સમજની દુનિયાથી
દૂર દૂર તારી પોતિકી દુનિયામાં
જ્યાં કેવલ આનંદ જ છે
તારી સાથે હું ય ભૂલી જાઉં છું
મારી એ ઝંઝાળભરી દુનિયા
તું દોડતાં દોડતાં પડી જાય છે
તો ઇજા મને થાય છે
તું ના સમજ નથી
મેં જ સમજનો ડગલો ઉતારી નાખ્યો
છે
તું તો દોડીને બાઝી પડે છે ને
હું તારામાં ઓગળી જઉં છું
દાદા-દાદી કે પછી દાદી-દાદા
તારે મન ક્યાં કોઈ ભેદ છે
કેવળ હોય છે
તારું આ નિર્દોષ બાળપણ…..
ધીમે ધીમે તું ભુલતો જઈશ
અને હું તારી જેમ બાળક બનતો જઈશ
સ્મૃતિઓનો આ ખજાનો જ અમને
સમૃદ્ધ રાખશે અને જીવાડશે
જીવન સંધ્યાના ઓટલે બેઠાં બેઠાં
દાદી-દાદા તારી સાથેની મધુર સ્મૃતિઓ
વાગોળતા
એક-બીજાને હૂંફ આપતા
તારામય બની જશે
પછી તો હું તારામાં જીવીશ.
અને હા એક વાત તો રહી જ ગઈ….
No..No..OOOO
બુધબા* દાદા…..
બુધબા દાદી…..
-વસંત જોષી
(16-06-2022)
સેલિના,ટેક્સાસ
*રિહાનને ન ગમે તેવી વાત કરો તો
નારાજગી બતાવવા આ શબ્દનો ઉપયોગ કરે.
No comments:
Post a Comment